તાજેતરના સમયમાં અદાણી ગ્રૂપ દ્વારા અનેક હસ્તાંતરણ માટે વિવિધ કરાર કરવામાં આવ્યા છે અને મજબૂત ફંડામેન્ટલ્સ પણ ધરાવે છે. જો કે ડેટ ફંડેડ ભાવિ હસ્તાંતરણો રેટિંગ્સ પર દબાણ લાવશે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું છે. વર્ષ 1988માં કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરનાર અદાણી ગ્રૂપનો પોર્ટફોલિયો ત્યારબાદ ખાણ, બંદરો, વીજ મથકો, એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને સંરક્ષણ જેવા અનેકવિધ ક્ષેત્ર સુધી વિસ્તરણ પામ્યો છે.
તાજેતરમાં જ અદાણી જૂથે હોલસિમ્સ ઇન્ડિયાના યુનિટને 10.5 અબજ ડોલરમાં હસ્તગત કરીને સીમેન્ટ સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો છે અને હવે એલ્યુમિનિયમ ફેક્ટરીની સ્થાપના કરવાની યોજના ધરાવે છે. મોટા ભાગના વિસ્તરણ ડેટ ફંડ આધારિત છે.
S&P ગ્લોબલ રેટિંગ્સના સીનિયર ડાયરેક્ટર અભિષેક ડાંગરાએ જણાવ્યું હતું કે, જૂથની મોટા ભાગની કંપનીઓ વૃદ્વિ માટે ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ ધરાવે છે અને અદાણી જૂથ અનેકવિધ કંપનીઓના હસ્તાંતરણની પ્રક્રિયામાંથી પસાર થયું છે. જો તમે અદાણી જૂથની રેટેડ કંપનીઓ પર ધ્યાન આપશો તો અંદાજ આવશે કે અદાણી પોર્ટ્સ જેવી કંપનીઓનું બિઝનેસ ફંડામેન્ટલ્સ મજબૂત છે. પોર્ટ બિઝનેસમાંથી મજબૂત પ્રમાણમાં રોકડ પ્રવાહનું સર્જન થઇ રહ્યું છે. જો કે કેટલાક હસ્તાંતરણને લઇને જોખમ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક સોદાઓ ડેટ ફંડેડ છે.
જો કે તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે અદાણી જૂથ દ્વારા નજીકના ભવિષ્યમાં કરવામાં આવનારા કોઇપણ હસ્તાંતરણ માટેના કરાર તેના રેટિંગ્સ પર દબાણનું સર્જન કરી શકે છે.