અમેરિકાના લુઇસિયાનામાં 4 જુલાઈએ એક બ્લોક પાર્ટીમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને 2 બાળકો સહિત 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટના મંગળવારે રાત્રે શ્રેવપોર્ટ વિસ્તારમાં બની હતી જ્યાં લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે એકઠા થયા હતા.
શ્રેવપોર્ટ પોલીસના પ્રવક્તા સાર્જન્ટ એન્જી વિલ્હાઇટે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે મેળા દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ ઓછામાં ઓછા 10 લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકોના નામ જાહેર કર્યા નથી અને આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ કરી નથી.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં વાહનો હાજર હોવાને કારણે પ્રથમ જવાબ આપનારાઓને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આવી સ્થિતિમાં પોલીસે ઘટનાસ્થળેથી દૂર પોતાની કાર પાર્ક કરવી પડી હતી. આ પછી પોલીસકર્મીઓ અને ઈમરજન્સી મેડિકલ સર્વિસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.