સંસદમાં ગુરુવારે ફાઇનાન્સ બિલ- 2023 હંગામાને કારણે ચર્ચા વગર જ પાસ થયું હતું. તેમાં 64 સુધારા છે. 1 એપ્રિલ બાદ ડેટ ફંડમાં રોકાણ પર મળતી ટેક્સમાં છૂટ રદ થઇ જશે. હવે તે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે, જે ઇક્વિટીમાં એસેટના 35%થી ઓછું રોકાણ કરે છે. અત્યારે તે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના દાયરામાં છે. 1 એપ્રિલ બાદ આ પ્રકારના ફંડ્સમાં રોકાણ કરતા લોકો માટે ટેક્સ વધી જશે. આવકવેરાના સ્લેબ અનુસાર ટેક્સની ગણતરી થશે. તેમાં દરેક પ્રકારના ડેટ ફંડ્સ, ગોલ્ડ ઇટીએફ, ઇન્ટરનેશનલ ફંડ્સ, ડાયનેમિક્સ એસેટ એલોકેશન ફંડ તેમજ મલ્ટિ એસેટ ફંડ્સ સામેલ છે. દેશમાં અત્યારે આ ફંડ્સના રોકાણકારોની સંખ્યા 78.4 લાખ છે. આ લોકોનું ડેટ ફંડમાં રૂ.14 લાખ કરોડનું રોકાણ છે. વિશેષજ્ઞો અનુસાર આ નિર્ણય બાદ ઇક્વિટીમાં રોકાણ વધશે. એસટીટી 25% વધ્યો, દરેક ટ્રેડિંગ પર 400 રૂ. વધુ આપવા પડશે
ફ્યૂચર એન્ડ ઑપ્શન ટ્રેડ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) 25% વધશે. એક કરોડથી ઓછા ટર્નઓવર પર એસટીટીના રૂપમાં 2100 રૂપિયા આપવા પડશે. પહેલાં આ રકમ 1,700 રૂપિયા હતી.
દેશમાં કુલ 3.5 કરોડ લોકો શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરે છે. આ જ રીતે ફ્યૂચર કોન્ટ્રાક્ટ સેલ પર 1 કરોડના ટર્નઓવર પર 10 હજાર રૂ. ટેક્સ લાગતો હતો, જે હવે વધીને 12,500 રૂપિયા થઇ ગયો છે.