યુક્રેન પર રશિયાના હુમલાને મંગળવારે એક હજાર દિવસ પૂરા થશે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ, જ્યારે રશિયન આર્મી ટેન્ક યુક્રેનની સરહદમાં પ્રવેશી, ત્યારે એવું લાગતું હતું કે યુક્રેન લાંબો સમય નહીં ટકે, હાર માની લેશે. પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી યુક્રેનની સેના રશિયન સેનાનો સામનો કરી રહી છે, સાથે રશિયાના કુર્સ્ક પ્રદેશ પર હુમલો કરી કબજો પણ કર્યો છે.
આ દરમિયાન રવિવારે રશિયાએ યુક્રેનના પાવર ગ્રિડ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. યુક્રેનમાં શિયાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેન મુજબ, રશિયાએ 120 મિસાઈલ અને 90 ડ્રોનથી હુમલો કર્યો છે, આ હુમલાને કારણે રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. કિવમાં 30 લાખથી વધુ લોકો અંધારામાં રહેવા મજબૂર છે.
અડધું વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત, હવે માત્ર બંકરો જ સહારો યુક્રેનને શિયાળાના ટાણે જ વીજળીથી વંચિત રાખવા માટે રશિયાએ પાવર ગ્રિડને નિશાન બનાવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનના વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અડધા ભાગને ધ્વસ્ત કર્યો છે. પાવર ગ્રિડના ફરી બહાલી માટે પશ્ચિમી દેશોને મદદ માટે અપીલ કરાઈ છે. યુક્રેનમાં શિયાળો નજીક આવી રહ્યો છે અને દેશ પહેલેથી જ વીજળીની મોટી તંગીથી પીડાઈ રહ્યો છે. સેંકડો યુક્રેનિયનોએ મેટ્રો સ્ટેશનોમાં બનેલા બંકરોમાં આશ્રય લીધો છે.