શનિવારની સરખામણીએ રવિવારે તાપમાન એક ડિગ્રી વધ્યું હતું. આ સાથે જ મહત્તમ પારો 33.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ બાદ વાદળો દૂર થશે અને આકાશ સ્વચ્છ થશે.
હાલમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. પવન 16 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન 31થી 34 ડિગ્રીએ પહોંચ્યું છે. સિસ્ટમને કારણે જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે ગત આખું સપ્તાહ બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ત્યારબાદ હવે વરસાદે વિરામ લેતા વરાપ નીકળ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે નવી સિસ્ટમ બનશે. જેનાથી સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અત્યારે દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતા મિશ્રઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મિશ્રઋતુને કારણે શરદી, ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે. સૌરાષ્ટ્રમાં પૂરતા વરસાદને કારણે ખેતીવાડીનું ચિત્ર પણ ઉજ્જવળ રહેવાની શક્યતા છે. જોકે ગત સપ્તાહે યાર્ડમાં વરસાદને કારણે જણસીની આવક ઘટી હતી.