રાજ્યમાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP)ના માધ્યમથી મહત્તમ મતદાન થાય, તે માટે વિવિધ પ્રવત્તિઓ કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના ‘સ્વીપ’ નોડલ અધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની 14 શાળા તેમજ ધોરાજી અને ઉપલેટાની 10 શાળા મળી કુલ 24 સરકારી અને ખાનગી શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ‘મારો મત, એ જ મારો અવાજ’, ‘મતદાન : મારો અધિકાર’, ‘તમારું મતદાન, લોકતંત્રનો છે પ્રાણ’, ‘અવસર : 100% મતદાનનો’ જેવા પ્રેરણાત્મક સૂત્રોના લખાણ સાથે રેલીમાં જોડાઇને જનતામાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.