રાજકોટ શહેર SOG પોલીસે અમદાવાદના વસ્ત્રાલયમાં સુકુન હાઈટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા સચિન રમેશભાઈ વડનગરા (ઉ.વ.35) તેમજ પ્રિયા હિરેનભાઈ લાઠીગરા (ઉ.વ.33) ની ધરપકડ કરી છે. આ બન્ને સામે વર્ષ 2022માં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં સચિને તેના કૌટુંબિક બનેવી અને ગુંદાવાડીમાં અનમોલ ચેમ્બર્સમાં જ્વેલર્સનું કામ કરતા ધવલભાઈ જયેશભાઈ ભુવા પાસેથી 34 ગ્રામ સોનું કે જેની કિંમત 1.65 લાખ રૂપિયા જેટલી થાય છે તે લીધું હતું. સોનાના બદલામાં સચિને ધવલભાઈને ચેક આપ્યો હતો અને આ લેતી-દેતીમાં વચ્ચે પ્રિયા લાઠીગરા રહી હતી. જો કે સચિને આપેલો ચેક બાઉન્સ થતા આ મામલે અરજી કરવામાં આવી જે મામલે સમાધાન થયું હતું. જો કે આ સમાધાન થયા બાદ સચિન અને પ્રિયા ફરાર થઈ ગયા હતા.
2.50 લાખનું સોનુ લીધુ ને ચેક આપ્યો
ધવલ ઉપરાંત સચિન-પ્રિયાએ ગુંદાવાડીમાં સવજીભાઈની શેરીમાં આચાર્ય જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં વિજયભાઈ વસંતલાલ વાગડીયા પાસેથી 2.50 લાખનું 56 ગ્રામ સોનું લીધું હતું જેના બદલામાં પણ ચેક આપ્યા હતા જે પણ રિટર્ન થતાં આખરે આ બન્ને સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે ફરિયાદ નોંધાયા બાદ બન્ને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન આજે આ બન્ને રાજકોટ આવ્યા હોવાની બાતમી મળતા જ SOG પોલીસે બન્નેની ધરપકડ કરી બન્નેની સોંપણી એ-ડિવિઝન પોલીસને કરતા હવે એ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.