શહેરના રામનાથ મહાદેવ મંદિર પાસે આજી નદીના કાંઠે મોટી સંખ્યામાં શખ્સો જુગાર રમતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે કુનેહપૂર્વક દરોડો પાડી 11 જુગારીને પકડી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે જુગારના પટમાંથી રૂ.59,150ની રોકડ ઉપરાંત છ મોબાઇલ મળી કુલ રૂ.98,150નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાસી ગયેલો શખ્સ જયેશ ભીખુ ભટ્ટી હોવાનું પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે. બીજા દરોડામાં સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે ખાણીપીણીની રેંકડીઓ પાસે ઊભા રહી એક શખ્સ જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની માહિતીના આધારે પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તે મૂળ મોરબીનો અને હાલ રાજકોટમાં રહીને જમીન-મકાન લે વેચનું કામ કરતો જિગ્નેશ ધીરજ વધારિયા હોવાનું જણાવ્યું હતું. જિગ્નેશ તેના મોબાઇલના માધ્યમથી આઇડી પર જુદા જુદા ભાવ લઇ સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું.