પિતૃ પક્ષમાં શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવું સંતાન માટે જરૂરી છે. આવું કરવાથી પિતૃ ઋણ ઉતરી જાય છે. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના ઋણ જણાવવામાં આવ્યાં છે- દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. પૂજા-પાઠ કરવાથી દેવ ઋણ, દાન-પુણ્ય કરવાથી ઋષિ ઋણ અને શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃ ઋણ ઉતરે છે.
ઉજ્જૈનના ભાગવત કથાકાર અને જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે માતા-પિતા અને ઘરના વડીલ પોતાના બાળકોના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કરે છે. બાળકોનું પણ કર્તવ્ય છે કે તેઓ પણ પોતાના વડીલોનું ધ્યાન રાખે. ઘરના લોકોનું મૃત્યુ થયા પછી તેમના માટે શ્રાદ્ધ કર્મ કરવું સંતાનનું કર્તવ્ય છે. આવું કરવાથી બાળકોનું પિતૃ ઋણ ચૂકતે થાય છે.
પિતૃ પક્ષમાં ગુરુ, સસરા, કાકા, મામા, ભાઈ, ભત્રિજા, શિષ્ય, જમાઈ, ભાણ્યો, ફુઆ, માસા, પુત્ર, મિત્રનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ તેમની મૃત્યુ તિથિએ કરવું જોઈએ. જો આ બધા સંબંધીઓની મૃત્યુ તિથિ જાણ ન હોય તો સર્વપિતૃ મોક્ષ અમાસ (25 સપ્ટેમ્બર)ના દિવસે શ્રાદ્ધ કર્મ કરી શકાય છે.