વૈશ્વિક સ્તરે અમુક કોમોડિટીની કિંમતોમાં ભાવ ઘટાડો થયો છે પરંતુ તેની સામે ભારતમાં ભાવ ઝડપી વધ્યા છે. જાન્યુઆરીમાં ગેસ, ખાતર, કૉફી-ચા, કૉટન અને ખાદ્યતેલ જેવી અંદાજે 10 વસ્તુઓની કિંમતો બમણી થઇ ચૂકી છે. જેનાથી ઉલટું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ વસ્તુઓ 48% સસ્તી થઇ ચૂકી છે. ગત મહિને દેશમાં રિટેલ મોંઘવારી દર એક વાર ફરી 6.5 ટકાએ પહોંચવાનું પણ આ એક કારણ છે. ગત વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં મોંઘવારી દર 6%થી નીચે હતો.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગત મહિને યુરિયાની કિંમત સૌથી વધુ -47.6% ઘટી હતી. પરંતુ દેશના માર્કેટમાં તેનો જથ્થાબંધ મોંઘવારી દર 5.2% હતો. નેચરલ ગેસના મામલે સૌથી વધુ ફરક જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યાં તેની કિંમતમાં 28.6%નો ઘટાડો થયો, ત્યારે સ્થાનિક માર્કેટમાં 95%થી વધુનો વધારો થયો હતો. કૉટનની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 24.1% ઘટવાની તુલનાએ સ્થાનિક માર્કેટમાં 8.6% વધી છે.
ખેડૂતોએ કપાસનો પાક રોક્યો: ઓરિગો કોમોડિટીઝ ઇન્ડિયાના સીનિયર મેનેજર ઇંદ્રજીત પોલે કહ્યું હતું કે આ વર્ષે કપાસની આવક 40% ઓછી છે. કિંમત વધુ વધવાની આશાએ ખેડૂતોએ પાકને રોક્યો છે. આ જ રીતે મગફળીનું ઉત્પાદન ગત સીઝનથી 16.4% ઓછું રહ્યું છે. આ બંનેની કિંમત વધવાનું આ જ સૌથી વધુ કારણ છે.
ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાત મોંઘી બની
કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા અનુસાર, મુખ્યત્વે ડોલરની તુલનાએ રૂપિયામાં અવમૂલ્યનથી સ્થાનિક માર્કેટમાં આયાત કરેલી વસ્તુની કિંમત ઘટી રહી નથી. તદુપરાંત એક કારણ વપરાશમાં વધારો છે. 1 જાન્યુઆરી, 2022ના રોજ રૂપિયા 74.51 પ્રતિ ડૉલર હતો, જે અત્યારે 83ની આસપાસ પહોંચી ગયો છે.