ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રી રફ્તાર પકડી શકે છે. સોસાયટી ઑફ ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચર્સ (SMEV) અનુસાર 2021-22માં ઇવીનું વેચાણ 2020-2021ની તુલનાએ 84% વધીને 10 લાખ સુધી પહોંચી જશે. તેમાં દ્વિચક્રી તેમજ ત્રીચક્રી વાહનોનો સૌથી વધુ ફાળો હશે.
ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ ગત વર્ષની તુલનામાં બેગણાથી પણ વધુ 7.5 લાખે પહોંચી શકે છે. જ્યારે ઇલેક્ટ્રિક કારનું વેચાણ લગભગ દોઢ ગણું વધીને 45,000ને આંબે તેવી સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભના 5 મહિના દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ગત વર્ષે થયેલા કુલ વેચાણના 50 ટકાથી ઉપર થયું છે. પરંતુ, દુનિયાના અનેક દેશોની તુલનામાં ભારતમાં ઇવીનું વેચાણ ખૂબ જ ઓછુ છે.
ઇન્ડિયન પ્રાઇવેટ ઇક્વિટી એન્ડ વેંચર કેપિટલ એસોસિએશન અનુસાર 2030 સુધી દેશની ઇવી ઇન્ડસ્ટ્રીમાં 1 કરોડ પ્રત્યક્ષ અને લગભગ 5 કરોડ અપ્રત્યક્ષ રોજગારીનું સર્જન થવાની આશા છે.