હોબાર્ટ હરિકેન્સ બિગ બેશ લીગ (BBL)ની 14મી સિઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે 7 વર્ષ બાદ ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. મંગળવારે હોબાર્ટે ક્વોલિફાયરમાં ત્રણ વખતની ચેમ્પિયન સિડની સિક્સર્સને 12 રનથી હરાવ્યું હતું. પાવરપ્લેમાં 2 વિકેટ લેનાર ફાસ્ટ બોલર રિલે મેરેડિથ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
હોબાર્ટમાં પ્રથમ બેટિંગ કરતા ટેબલ ટોપર હોમ ટીમે 7 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. સિડનીએ શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ પુનરાગમન કર્યું હતું, પરંતુ ટીમ 5 વિકેટ ગુમાવીને 161 રન જ બનાવી શકી હતી. હરિકેન હવે 27 જાન્યુઆરીએ હોબાર્ટમાં ફાઈનલ રમશે.
બેલેરીવ ઓવલ ખાતે સિડનીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. હોબાર્ટને ઓપનર મિશેલ ઓવેન અને કાલેબ જેવેલ તરફથી ઝડપી શરૂઆત મળી હતી. બંનેએ માત્ર 4 ઓવરમાં 47 રનની ભાગીદારી કરી હતી. ઓવેલ 36 રન બનાવીને આઉટ થયો હતો, તેના પછી મેથ્યુ વેડ પણ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.