શહેરની ભાગોળે મોરબી રોડ પરની મારવાડી કોલેજની વિદ્યાર્થિનીએ ઝેરી પ્રવાહી પી જીવનનો અંત આણી લીધો હતો. સાથી વિદ્યાર્થિનીએ યુવતીના પિતાને ફોન કરીને ફરિયાદ કરી હતી કે, અંજલિ મજાક કરીને હેરાન કરે છે, જે બાબતે પિતાએ ઠપકો દેતાં યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું.
કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસેની ખોડલધામ રેસિડેન્સીમાં રહેતી અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી અંજલિ હરેશભાઇ સાંગાણી (ઉ.વ.22)એ મંગળવારે ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અંજલિ સાંગાણી મારવાડી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અંજલિની સાથે જ અભ્યાસ કરતી એક યુવતીએ અંજલિના પિતાને ફોન કરીને ફરિયાદ કરી હતી કે, અંજલિ મજાક કરીને હેરાન કરે છે. પુત્રીની વિરુદ્ધમાં તેની જ સહાધ્યાયીએ ફરિયાદ કરતાં હરેશભાઇ સાંગાણીએ પુત્રી અંજલિને ઠપકો આપ્યો હતો કે, કોલેજે અભ્યાસ કરવા જાય છે કે મજાક કરવા?, ત્યારબાદ હકીકત જાણવા માટે હરેશભાઇ કોલેજે ગયા હતા અને કોલેજેથી પોતાની પુત્રી અંજલિને સાથે લઇ ગયા હતા.