ક્રિકેટ અનિશ્ચિતતાની રમત કહેવાય છે. એટલે કે ક્યારે શું થશે, કહી શકાય નહીં. એક ટીમ એવી છે જે આ અનિશ્ચિતતાને પણ તેની ટોચ પર પહોંચાડી દે છે. ક્યારે શું કરે તે પોતાને પણ ખબર નથી. હા... અમે પાકિસ્તાનની વાત કરી રહ્યા છીએ.
જ્યારે આ ટીમ કોઈ મોટી ટૂર્નામેન્ટમાં સદંતર રિજેક્ટ થવા લાગે છે, તો ક્યારેક નસીબથી કે ક્યારેક મહેનતના બળે અચાનક વાપસી કરી લે છે.આ T20 વર્લ્ડ કપમાં પણ આવી જ સ્ક્રિપ્ટ જોવા મળી હતી.
પહેલા ભારત અને પછી ઝિમ્બાબ્વે સામે હારીને પાકિસ્તાન લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. અહીંથી નસિબ પલટાયું અને પાકિસ્તાન જોત-જોતામાં સેમિફાઇનલમાં પહોંચી જાય છે. ટીમ સતત ત્રણ મેચ જીતે છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ નેધરલેન્ડ સામે હારી જાય છે અને પોતે બહાર થઈને પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો સરળ બનાવે છે.
આવું પહેલી વખત નથી થયું કે પાકિસ્તાને આવા અંદાજમાં પરત ફર્યું છે. અગાઉ પણ આવું થતું આવ્યું છે.
આ સ્ટોરીમાં આપણે જાણીશું કે પાકિસ્તાને ક્યારે, ક્યારે મોટી ટુર્નામેન્ટમાં આ રીતે ચમત્કારના કારણે વાપસી કરી છે...
1992 વનડે વર્લ્ડ કપથી શરુઆત થઈ હતી
1992નો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો. ઈમરાન ખાનની કેપ્ટન્સીમાં પાકિસ્તાને ગ્રુપ સ્ટેજમાં કુલ 8 મેચ રમી હતી. પ્રથમ મેચમાં તે વેસ્ટ ઈન્ડિઝ સામે 10 વિકેટે હારી ગયું હતું. આ પછી ટીમે બીજી મેચમાં ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી. ત્રીજી મેચ ઈંગ્લેન્ડ સામે હતી. પાકિસ્તાન ટીમ માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર નિશ્ચિત હતી પરંતુ વરસાદે મેચ અટકાવી દીધી હતી. પાકિસ્તાનને એક પોઈન્ટ મળી ગયો હતો.
જો કે, આ એક પોઈન્ટની ખુશી લાંબો સમય ટકી ન હતી અને તે પછીની બે મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ હતી.એટલે કે પાંચ મેચમાં પાકિસ્તાનને માત્ર એક જ જીત અને માત્ર 3 પોઈન્ટ મળ્યા હતા.
એવું માની લેવામાં આવ્યું હતુ કે ઈમરાનની ટીમ સેમીફાઈનલમાં નહીં પહોંચે. પરંતુ, ત્યારબાદ પાકિસ્તાને સતત 3 મેચ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. પાકિસ્તાન 9 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી ગયું હતુ. સેમીફાઈનલમાં પહોંચનારી ચારેય ટીમોંમાં સૌથી ઓછા પોઈન્ટ પાકિસ્તાનના જ હતા. પાકિસ્તાને સેમીફાઈનલમાં ટાઈટલની દાવેદાર ન્યુઝીલેન્ડને હરાવી અને ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.