દેશમાં શહેરીકરણને વધુ વેગ મળી રહ્યો છે, તેના લીધે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે બાંધકામ ક્ષેત્રમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હૈદરાબાદના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર અને ઈસરોના રિપોર્ટ અનુસાર 2005-06થી 2022-23 સુધીના છેલ્લાં 17 વર્ષમાં ભારતના બાંધકામ વિસ્તારમાં લગભગ 25 લાખ હેક્ટરનો વધારો થયો છે. બાંધકામ ક્ષેત્રમાં અંદાજે 35 ટકાનો ઉમેરો થયો .
આ વિસ્તારમાં જમીન આવરણમાં વાર્ષિક સરેરાશ 2.4% નો વધારો થયો છે. નિર્મિત ક્ષેત્ર માટે વપરાતી જમીનમાં બંજર જમીન અને ખેતીની જમીનનો પણ સમાવેશ થાય છે. એનઆરએસસીના વાર્ષિક લેન્ડ યુઝ એન્ડ લેન્ડ કવર એટલાસ ઓફ ઈન્ડિયાના અભ્યાસ મુજબ નિર્મિત ક્ષેત્રના વિસ્તારમાં બંજર જમીનનો હિસ્સો 12.3% રહ્યો છે. એટલાસ દર્શાવે છે કે નિર્મિત વિસ્તારોની વૃદ્ધિનો મોટો હિસ્સો ખેતીની જમીનના ફેરફાર અથવા ડાઈવર્ઝનને કારણે છે.
પર્યાવરણીય મુદ્દાઓ પર અહેવાલ આપનાર ડાઉન ટુ અર્થે એનઆરએસસીના આ અહેવાલના આધારે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં 34 કિલોમીટર લાંબા ઈન્દોર વેસ્ટર્ન બાયપાસના નિર્માણને મંજૂરી આપી છે. જોકે આ માટે ખેતીની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. આ અંગે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. એનઆરએસસીના વિજ્ઞાની અને ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે આ એટલાસ એક હોકાયંત્ર તરીકે કામ કરશે અને જમીન સંસાધનોની અમારી સમજણ અને ટકાઉ વિકાસ પ્રથાઓને સરળ બનાવવા માટે માર્ગદર્શન આપશે.