સોશિયલ મીડિયાના માધ્યમથી ગઠિયાઓ લોકોને અવનવી ઓફર કરી છેતરતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે. રાજકોટના વેપારીને ઓનલાઇન શેરબજારમાં રોકાણના નામે વિશ્વાસમાં લઇ ગઠિયાએ રૂ.2.20 લાખની છેતરપિંડી આચરી હતી.
કાલાવડ રોડ પરના પાવનપાર્કમાં રહેતા અને વેપાર કરતાં સુનિલભાઇ ધીરજલાલ સોલંકી (ઉ.વ.53)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ડિજિટલ નિફ્ટી નામની યૂટ્યૂબ ચેનલ ચલાવનાર મનિકાનંદન ક્રિષ્નનનું નામ આપ્યું હતું. સુનિલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોણા ત્રણ મહિના પૂર્વે પોતે યૂટ્યૂબ વીડિયો જોતા હતા ત્યારે ડિજિટલ નિફ્ટી નામની ચેનલમાં શેરબજારમાં રોકાણ કરી વધુ વળતરનો વીડિયો જોતા તેમણે તેમાં આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો અને વાર્તાલાપ બાદ શેરબજારમાં રોકાણ અર્થે છ ચેક મારફત રૂ.2.20 લાખ સામેની વ્યક્તિના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી હતી.