અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર $84 બિલિયન એટલે કે લગભગ 7 લાખ કરોડનો ખર્ચ કરશે. ગ્રુપ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) જુગશિન્દર સિંહે આ જાણકારી આપી છે. સિંહે કહ્યું, 'અમારી પાસે 20 લાખ કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવાની ક્ષમતા છે, પરંતુ સારા વેન્ડર્સના અભાવને કારણે આટલું મોટું રોકાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે.'
તેમણે કહ્યું કે જેમ જેમ અમે અમારા વિક્રેતાઓની સંખ્યામાં વધારો કરીશું તેમ તેમ અમારો મૂડી ખર્ચ પણ વધશે. જો અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સારી કામગીરી બજાવે છે, તો અમે આગામી 25 વર્ષમાં 80 લાખ કરોડ સુધીનો ખર્ચ કરી શકીશું.
ગ્રુપની 6 કંપનીઓ બોન્ડ દ્વારા ભંડોળ એકત્ર કરશે
અદાણી ગ્રુપની છ કંપનીઓ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને SEZ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર અને બે અનલિસ્ટેડ કંપનીઓ- અદાણી એરપોર્ટ્સ અને અદાણી રોડ્સ ટૂંક સમયમાં વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં મોટા રોકાણની યોજના બનાવી રહી છે. આ માટે આ કંપનીઓ બોન્ડ જારી કરીને બજારમાંથી ભંડોળ એકત્ર કરશે. કંપનીઓ કુલ ભંડોળના 80% વિદેશી બજારમાંથી અને 20% સ્થાનિક બજારમાંથી એકત્ર કરશે.