રાજકોટ એસ.ટી.ડિવિઝનમાંથી મુસાફરો છીનવતા ખાનગી વાહનચાલકો સામે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 110 ખાનગી વાહનો ડિટેન કરી રૂ.4.17 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ઢેબર રોડ બસ પોર્ટ વિસ્તાર ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી, આજીડેમ ચોકડી, બેડી ચોકડી, રાજકોટ-કાલાવડ સ્ટેટ હાઇવે સહિતના વિસ્તારો તેમજ વિવિધ સ્થળોએ આવેલા બસ સ્ટોપ ઉપરથી નો પાર્કિંગ ઝોનનો ભંગ કરી એસ.ટી.બસના મુસાફરો છીનવી જતા ઇકો કાર, અર્ટિગા, તુફાન જીપ, સિટી રાઇડ, મિનિ બસ, ખાનગી ટ્રાવેલ્સની મોટી બસ સહિતના 110 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને કુલ રૂ.4,17,077નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તદઉપરાંત અન્ય 125 વાહનોને મેમો ફટકારવામાં આવ્યો હતો. આ ડ્રાઇવમાં એસ.ટી.ડિવિઝનના સ્ટાફ સાથે ટ્રાફિક પોલીસતંત્રનો સ્ટાફ પણ જોડાયો હતો.