કોરોના બાદ રાજકોટમાં પહેલીવાર મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે 16 દેશમાંથી ઉદ્યોગકારો, કંપની ભાગ લેશે. બે વર્ષ પહેલા 4 દેશના ઉદ્યોગકારો, કંપનીએ ભાગ લીધો હતો. રાજકોટમાં બનતા મશીન ટુલ્સની ડિમાન્ડ વધતા હવે કાસ્ટિંગ, ફોર્જિંગ, ફાઉન્ડ્રીના ઉદ્યોગો 24 કલાક ધમધમવા લાગ્યા છે.
બે વર્ષ પહેલાની સરખામણીએ મશીન ટુલ્સનું ઉત્પાદન દોઢ ગણું વધ્યું છે. તેમજ રિસર્ચ અને ડેવલપમેન્ટ વધતા મશીન- સાધનોના ઉત્પાદનમાં રાજકોટ આત્મનિર્ભર બન્યું છે. એક અંદાજ મુજબ રાજકોટમાં હાલમાં દૈનિક વિવિધ ક્ષેત્રમાં ઉપયોગી હોય તેવા સાધનો, ટુલ્સ દૈનિક 75 હજારથી વધુ ઉત્પાદન થાય છે.
મશીન ટુલ્સ 2022 શો રાજકોટમાં એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડમાં આજી વસાહત 80 ફૂટ રોડ ખાતે 21થી 24 સપ્ટેમ્બર સુધી યોજાશે. તેમ રાજકોટ મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીનભાઇ છનિયારાએ જણાવ્યું હતું. વધુમાં તેના જણાવ્યા મુજબ યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, સાઉથ આફ્રિકા, યુ.કે. તુર્કી, સ્પેન, તાઈવાન, ચીન, જાપાન, કોરિયા, ઈટલી, થાઈલેન્ડ, યુ.એ.ઈ. સહિતના દેશોની કંપની જોડાશે.