દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની કામગીરી વખતે પરમાણુ બોમ્બ હોવાની શેખી મારનાર રાજકોટના બે બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે બંનેની આગવીઢબે પૂછપરછ કર્યા બાદ બંનેને જામીન પર મુક્ત કર્યા હતા.
દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ગત તા.5ના અમદાવાદ જતી ફ્લાઇટના મુસાફરોનું સિક્યુરિટી ચેકિંગ થઇ રહ્યું હતું ત્યારે રાજકોટના બે વ્યક્તિ જીજ્ઞેશ માલાણી અને કશ્યપકુમાર લાલાણીનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ વખતે બંને શખ્સે કહ્યું હતું કે, ‘અમારી પાસે પરમાણુ બોમ્બ હોય અને તે લઇને પોતે જતાં રહેશે તો તમે શું કરી લેશો’. બંને મુસાફરોની આ વાતથી જ સિક્યુરિટી એજન્સીના અધિકારીઅો અને સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને જીજ્ઞેશ તથા કશ્યપકુમારને સકંજામાં લઇ બંનેના સામાનનું સઘન ચેકિંગ કર્યું હતું. જોકે તેમના સામાનમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, પરંતુ આ બંને બિલ્ડરે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેનાથી એરપોર્ટ અને મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠતાં દિલ્હી પોલીસે બંને સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. દિલ્હી એરપોર્ટના ડીસીપી ઉષા રંગાણીએ જણાવ્યું હતું કે, જીજ્ઞેશ અને કશ્યપ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને દિલ્હીના દ્વારકામાં ખરીદી માટે આવ્યા હતા પરત ફરતી વખતે તેમણે કરેલા ઉચ્ચારણથી મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠતાં ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.