નવી દિલ્હી| વર્ષ 2021 દરમિયાન ભારતની હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પર સાયબર હુમલાની કુલ ઘટનાઓની ટકાવારી 7.7 ટકા રહી હતી. જે સાથે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સાયબર હુમલાની દૃષ્ટિએ ભારતીય હેલ્થકેર ઇન્ડસ્ટ્રી બીજા ક્રમાંકે રહી હતી.
સિક્યોરિટી ઇન્ટેલિજન્સ ફર્મ ક્લાઉડસેક દ્વારા વૈશ્વિક હેલ્થકેર સેક્ટર પર વધતા સાયબર હુમલા પર પર કરાયેલા સ્ટડી અનુસાર યુએસની હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ 28 ટકા સાયબર હુમલા થયા હતા. જ્યારે 7.7 ટકા સાથે સૌથી વધુ સાયબર હુમલાની દૃષ્ટિએ ભારત બીજા ક્રમાંકે રહ્યું હતું. દેશમાં થયેલા 7.7 ટકા હુમલાની કુલ સંખ્યા 71 લાખની આસપાસ થાય છે.
ફર્મ અનુસાર, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીમાં આધુનિકીકરણ જેમ કે હેલ્થ મોનિટરિંગ, ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ તેમજ ઇન્ટરનેટ ઑફ થિંગ્સને કારણે સાયબર ગુનેગારોને આ સેક્ટર પર વધુને વધુ સાયબર હુમલા કરવા માટેની તક મળી હતી.