અંદાજે 50 વર્ષ પહેલાં કોર્મશિયલ મોબાઇલ ફોનની શોધ કરનારા માર્ટીન કૂપર (94) પણ આજે મોબાઇલ ફોનને લઇને એટલા જ ચિંતિત છે જેટલા સમાજના અન્ય લોકો છે. ખાનગી ડેટા લીક થવાની સાથે જ ઇન્ટરનેટની લત તેમજ બાળકો સુધી અશ્લીલ સામગ્રી પહોંચવાના મુદ્દાને લઇને તેઓ ચિંતિત છે. જ્યારે તેઓએ તેની શોધ કરી હતી ત્યારે તેમના મગજમાં એ જ ખ્યાલ આવતો હતો કે ઇંટ જેવા મોટા આકારનું અને લાંબુ એન્ટેના ધરાવતું આ ઉપકરણ કામ કરશે.
આજે તેઓ અન્ય લોકોની માફક સમાજના આ પ્રભાવને લઇને મૂંઝવણમાં છે. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મોબાઇલને લઇને મારું સૌથી ખરાબ મંતવ્ય એ જ છે કે હવે અમારું કોઇ અંગત જીવન નથી. માહિતી સુધી સરળ પહોંચ છે. બાળકોની ઇન્ટરનેટ સુધીની પહોંચ અને લતને લઇને કૂપરનો અભિપ્રાય છે કે અલગ અલગ વર્ગો માટે અલગ અલગ ઇન્ટરનેટ વિકસિત કરાય. પાંચ વર્ષ જે ઇન્ટરનેટનો ઉપયોગ કરશે તે તેને અભ્યાસમાં મદદરૂપ થશે. તેમાં તેમના માટે પોર્ન અથવા એવી સામગ્રી નહીં હોય જે તે સમજી ન શકે.
તેમનું માનવું છે કે ટેક્નોલોજીના આગળ વધુ સારા દિવસ આવશે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં હજુ મોબાઇલનો વધુ સારો ઉપયોગ થઇ શકે છે. સેલફોન, મેડિકલ ટેક્નોલોજી તેમજ ઇન્ટરનેટની આ જુગલબંધી આપણને બીમારીઓ પર જીત અપાવશે. ફોન એ રીતે ડિઝાઇન થવા જોઇએ કે દરેક સમયે તમારા સ્વાસ્થ્યનું સતત આકલન કરીને તેને સ્વસ્થ રાખી શકે.