નવી દિલ્હી પાકિસ્તાનમાં બુધવારે ભારતના આરોપી એવા 2 આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. સિયાલકોટની મસ્જિદથી પરત આવી રહેલા જૈશના કમાન્ડર અને પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેઝ પરના હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ ઉર્ફ બિલાલનું 3 બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને મોત નીપજાવ્યું હતું. આ હુમલામાં બિલાલનો ભાઈ હાશિમ પણ ઠાર મરાયો હતો. લતીફ એનઆઇએની મોસ્ટ વૉન્ટેડની યાદીમાં હતો. 2016માં પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના 7 અધિકારી અને ઍરમૅન શહીદ થયા હતા.
બીજી તરફ બલુચિસ્તાનના મશખેલમાં આતંકવાદી મુલ્લા બહાહુર ઉર્ફ અબ્દુલને પણ અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. બહાહુર સામે ભારતીય નેવી અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરીને આઇએસઆઇને સોંપવાનો આરોપ હતો. પાકિસ્તાનની સેનાએ 2016માં જાસૂસીનો આરોપ લગાડીને કુલભૂષણ જાધવની ધરપકડ કરી હતી. ફાંસીની સજા પામેલા જાધવ અત્યારે પાકિસ્તાનની જેલમાં બંધ છે.