શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીરસિંઘને સોંપાયો હતો. પ્રેમવીરસિંઘ પાસે 3 મહિના સુધી પોલીસ કમિશનરનો ચાર્જ રહ્યો હતો. પરંતુ આ 3 મહિનામાં તેમણે એક પણ ફાઈલ ઉપર સહીં કરી ન હતી. જેના કારણે 1 હજાર ફાઈલો પેન્ડિંગ પડી રહી હતી. નવા પોલીસ કમિશનરને આ ફાઈલોનો નિકાલ કરવા માટે વહીવટી સ્ટાફને ઓફિસ છૂટયા પછી પણ બેસાડી રાખીને ફાઈલોનો નિકાલ કરવાની ફરજ પડી હતી.
શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલે નિવૃત્ત થયા હતા. તેના 3 મહિના બાદ પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકની નિમણૂક કરાઈ હતી. 3 મહિના સુધી પોલીસ કમિશનરનો ચાર્જ ક્રાઈમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીરસિંઘ પાસે હતો. આ 3 મહિનાના સમય ગાળામાં તેમણે એક પણ ફાઈલ ઉપર સહી કરી ન હતી. જેના કારણે રોજની 10 થી 15 ફાઈલ લેખે 1 હજાર ફાઈલો પોલીસ કમિશનરની સહી વગર પડી રહી હતી. જ્યારે નવા પોલીસ કમિશનરે જી.એસ.મલિકે 31 જુલાઈએ ચાર્જ સંભાળ્યો ત્યારે ફાઈલોના ઢગલા જોઈને તેમણે વહીવટી સ્ટાફને પૂછતાં જાણવા મળ્યું કે, ઈન્ચાર્જ પોલીસ કમિશનરે આ ફાઈલો ઉપર સહીઓ કરી ન હોવાથી પેન્ડિંગ હતી.