જસદણના ગંગાભુવન વિસ્તારમાં આવેલી ન્યુ એરા સ્કૂલની શિક્ષિકાને વિદ્યાર્થીના વાલીઓએ સામાન્ય બાબતે બોલાચાલી કરી સ્કૂલની અંદર જ અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં બુટ, ઢીકાપાટું માર્યા હતા અને ગળું દબાવવાની ચેષ્ટા કરી માર મારતા શિક્ષણ જગતમાં ચકચાર મચી હતી. ભોગ બનનાર શિક્ષિકાએ પોલીસ મથકમાં બે શખ્સ સામે મારવા અને મારી નાખવાની ધમકી આપવા સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે બનેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
જસદણના ચિતલીયા રોડ પર આવેલી લાભવાટીકા સોસાયટીમાં રહેતા અને ન્યુ એરા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રીટાબેન હિતેશભાઈ રામાણી(ઉ.વ.35) એ બે શખ્સ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સવારે સાત વાગ્યે સ્કૂલે ગયા હતા. સ્કૂલમાં પુરક પરીક્ષા ચાલુ છે, અને હાલ સ્કૂલનું સંચાલન પણ કરતી હોઉ છું, જેથી હું ઓફીસની કામગીરી કરતી હતી. તેવામાં નરેન્દ્ર વિષ્ણુભાઈ લશ્કરી તથા જયદેવ વિષ્ણુભાઈ લશ્કરી કે જેનું બાળક અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓ બાળકને સ્કૂલે મુકવા આવ્યા હતા, ત્યારે મેં તેમને પૂછ્યું કે તમારું બાળક બે દિવસથી કેમ ગેરહાજર હતું? આટલું પૂછતાં જ બન્નેએ ઉશ્કેરાઇને જવાબ આપ્યો હતો કે તમારે જે કંઈ કહેવાનું હોય તે અમને કહેવું, અમારા બાળકને નહીં.