સુરતમાં અડાજણના બિલ્ડર પુત્ર દેવ કેતન ડરે દારૂના નશામાં ગત મંગળવારે એક યુવકને કારના બોનેટ પર અઢી કિમી ફેરવ્યો હતો. જો કે, 10 મહિના પહેલાં પણ આ નબીરાએ ઉધના મગદલ્લા રોડના પેટ્રોલપંપ પર આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે એરગન કાઢી કર્મચારીને માર પણ માર્યો હતો. જેમાં ઉમરા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે કાર, દારૂની બોટલ તેમજ એરગેન કબજે કરી હતી.
પેટ્રોલ છાંટી આગ લગાડવાનો પ્રયાસ કર્યો
26 ઓકટોબરે નવા વર્ષની મોડીરાતે દેવ નશો કરી કાર લઈ ડીઝલ પુરાવવા પંપ પર ગયો હતો અને કર્મચારી સાથે માથાકૂટ કરી હતી. પછી એરગનથી ડરાવી માથામાં માર મારી નોઝલમાંથી પાણીની જેમ પેટ્રોલ રોડ છાંટી દઈ આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, માચીસ ન મળતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને કારમાંથી દારૂ પણ મળ્યો હતો.
દેવ ડેર સામે લોકડાઉન વખતે ઉમરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. મગદલ્લા પણ ગુનો નોંધાયો હતો અને ધરપકડ થઈ હતી. અત્યાર સુધીમાં દેવ ડેર સામે 4થી 5 ગુના દાખલ થઈ ચુકયા છે.