સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરીને યુવતીઓ અને મહિલાઓને બદનામ કરવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે ત્યારે વધુ એક કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો હતો. યુવતીએ તેના જ સમાજના એક યુવકને સગપણ માટે પસંદ નહીં કરતાં તે વાતનો દ્વેષ રાખી તે શખ્સે સમાજના મેરેજ બ્યુરોની સાઇટ પરથી યુવતીના ફોટા મેળવી તેનો ગેર ઉપયોગ કર્યો હતો અને યુવતીને બદનામ કરવાના પ્રયાસ કર્યા હતા. યુવતીના અન્ય સ્થળે લગ્ન થઇ ગયા હોવા છતાં ત્રણ વર્ષથી તેને પરેશાન કરવામાં આવતી હતી.
શહેરમાં રહેતી 45 વર્ષની મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઇશ્વરિયાના વિપુલ મકવાણાનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેના લગ્ન થયા નહોતા ત્યારે તેના સમાજના જ મેરેજ બ્યૂરોમાં તેની બાયોડેટા આપી હતી જેમાં તેની સંપૂર્ણ માહિતી અને તસવીરો પણ આપવામાં આવી હતી. તેની જ જ્ઞાતિના વિપુલ મકવાણાએ પણ આ મેરેજ બ્યૂરોમાં પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. વિપુલે પોતાની સાથે સગપણ માટે યુવતી સુધી વાત પહોંચાડી હતી પરંતુ યુવતીએ તેને પસંદ કર્યો નહોતો અને સમાજના અન્ય યુવક સાથે ત્રણ વર્ષ પહેલાં યુવતીએ લગ્ન કરી લીધા હતા.
યુવતીએ પસંદ નહીં કર્યાનો ખાર રાખી વિપુલ મકવાણાએ યુવતીની તસવીરો મેરેજ બ્યૂરોની સાઇટ પરથી ડાઉનલોડ કરી યુવતીના ફોટા મેળવી લીધા હતા અને પોતાના સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટ પર યુવતીના ફોટા મૂકી તેનો ગેરઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં યુવતીને ફોન અને મેસેજ કરી વિપુલ અભદ્ર માંગ કરતો હતો. યુવતીએ આ મામલે અગાઉ તેના પતિ અને સમાજના લોકોને જાણ કરીને વિપુલને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ વિપુલે પોતાની હરકતો બંધ કરી નહોતી.