પાંડેસરામાં સિટીબસમાં ચડતી વેળા પગ લપસતા નીચે પટકાયેલા ધો-12ના વિદ્યાર્થીના પગ પરથી બસનું વ્હીલ ફરી વળતા ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. પાંડેસરા ઈન્દીરા નગરમાં રહેતા વિજયરાજ મોર્યા લૂમ્સના કારખાનામાં કામ કરે છે. તેમનો પુત્ર વિશન (18) ધો-12માં અભ્યાસ કરતો હતો. મંગળવારે રાત્રે વિશન ટ્યુશનેથી પરત ઘરે જવા નીકળ્યો હતો. પાંડેસરા તેરેનામ ચોકડી પાસે સિટીબસમાં ચડતો હતો ત્યારે તેનો પગ લપસતા તે બસમાંથી નીચે પટકાયો હતો દરમિયાન ડ્રાઈવરે બસ હંકારી મુકતા બસનું વ્હીલ વિશનના પગ પરથી ફરી વળ્યું હતું.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિશનને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયુંં હતું. વિશનના પરિવારે જ્યાં સુધી ડ્રાઈવરની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો. જોકે પોલીસે સિટીબસના ચાલક સામે ગુનો નોંધી પરિવારને સમજાવતા મૃતદેહ સ્વિકારી લીધો હતો. પાંડેસરા પોલીસે સિટીબસના ડ્રાઈવરની પણ મોડી સાંજે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.