વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારતમાં અમેરિકી રાજદૂતના નિવેદન પર પ્રતિક્રિયા આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અન્ય દેશોની જેમ ભારત પણ પોતાની વ્યૂહાત્મક સ્વતંત્રતાને મહત્વ આપે છે. આ પહેલા એક કાર્યક્રમમાં યુએસ એમ્બેસેડર ગારસેટ્ટીએ ભારત-રશિયા સંબંધો પર ટિપ્પણી કરી હતી, જેના જવાબમાં પ્રવક્તા જયસ્વાલે પ્રતિક્રિયા આપી હતી.
પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમેરિકી રાજદૂતને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. એ જ રીતે આપણે પણ આપણા પોતાના અને જુદા જુદા વિચારો રાખી શકીએ. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા સાથેની અમારી મિત્રતા અમને એકબીજાના દૃષ્ટિકોણનું સન્માન કરવાની સ્વતંત્રતા આપે છે. આમાં આપણે બંને ઘણા મુદ્દાઓ પર એકબીજા સાથે સહમત અને અસહમત થઈ શકીએ છીએ.
ભારત-અમેરિકા સંબંધો પર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમારી પાસે ચર્ચા કરવા માટે ઘણા મુદ્દા છે. અમે આ મુદ્દાઓ પર એકબીજા સાથે વાત કરીએ છીએ અને તેમની ચર્ચા કરીએ છીએ જે બંને પક્ષોના હિતમાં છે. આ સાથે જયસ્વાલે કહ્યું કે, અમે રાજદ્વારી વાતચીત શેર કરતા નથી.