રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન તેમના જ ઘરમાં ઘેરાયા છે. યુક્રેનના મોરચે પરાજયના ભયથી તેમના ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને તહેનાતીનો આદેશ પુટિન માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. રિઝર્વ સૈનિકો દેશ છોડી નાસી રહ્યા છે. ટોચના કમાન્ડરો પર રિઝર્વ સૈનિકોની તહેનાતી મામલે બે જૂથમાં વહેંચાઈ ગયા છે.
રશિયાનાં અનેક શહેરોનાં એરપોર્ટ, બસ અને રેલવે સ્ટેશન પર દેશ છોડનારા રિઝર્વ સૈનિકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ટિકિટ ભાડું અનેકગણું વધારી દેવાયું છે. રિઝર્વ સૈનિકોને મિલિટરી બેઝ પર લાવવા માટે બસો તેમના ઘરે મોકલાઈ રહી છે.
અનેક રિઝર્વ સૈનિકો ઘરના ફ્રીઝમાં સંતાઈ ગયા હતા. તેમને બળજબરીથી કાઢવામાં આવ્યા હતા. રશિયામાં મૉસ્કો, સેન્ટ પીટર્સબર્ગ સહિત 10 શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે. પોલીસે અનેક શહેરોમાં દેખાવકારો પર લાઠીચાર્જ અને હવાઈ ફાયરિંગ કર્યું. લગભગ 3 હજારથી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી.