કોવિડ મહામારીના 2 વર્ષ દરમિયાન માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓએ 10 ટકા જેટલી ક્રેડિટ ખોટ નોંધાવી છે, પરંતુ હવે સ્ટ્રેસ્ડ એસેટ્સ સ્તરમાં સુધારો થવાને કારણે સ્થિતિ ધીરે ધીરે નિયંત્રણ હેઠળ આવી રહી છે. MFI જે નાના ઉદ્યોગસાહસિકોને લોન પૂરી પાડે છે તેમાં કોવિડ મહામારીને કારણે નાણાકીય વર્ષ 2021 અને 2022 દરમિયાન 5-10 ટકા ક્રેડિટ ખોટ નોંધાઇ છે તેવું માઇક્રોફાઇનાન્સ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ આલોક મિશ્રાએ જણાવ્યું હતું. દરેક સંસ્થામાં ક્રેડિટ લોસ અલગ અલગ હોય શકે છે.
જો કે હવે, કોવિડની લહેર દરમિયાન સતત પડકારો બાદ હવે સ્ટ્રેસ્ડ લોનની દૃષ્ટિએ સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જુલાઇ 2022માં ન ચૂકવાયેલી લોનની ટકાવારી ઘટીને 1-11 ટકા થઇ ચૂકી છે, જે કોવિડની બીજી લહેર દરમિયાન 22 ટકાના સ્તરે જોવા મળી હતી.
કોવિડની બીજી લહેર દરમિયાન કલેક્શન એજન્ટ્સ અનેક વિસ્તારમાં રહેતા લોનધારકો પાસે રિકવરી માટે અસમર્થ રહ્યા હોવાથી વર્ષ 2021ના મધ્યમાં આ સેક્ટરમાં વધુ સ્ટ્રેસ જોવા મળ્યો હતો. તદુપરાંત કોવિડને કારણે મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ સ્થગિત હોવાને કારણે આ સેગમેન્ટમાં આવકને પણ ફટકો પડ્યો હતો.