રૈયા રોડ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીની માતાએ જેમ્સનગરમાં રહેતા અક્ષય નંદલાલ મહાજન સામે ફરિયાદ નોંધાવી છે.
બે પુત્રીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે નાની દીકરીએ બહેન રોતી હોવાનું અને કંઇ કરી બેસવાની વાત કરતી હોવાની જાણ કરી હતી. જેથી પુત્રીને ફોસલાવી પૂછપરછ કરતા તેને બે વર્ષથી રૈયા રોડ, જેમ્સનગરમાં રહેતા અક્ષય મહાજન સાથે મિત્રતા થઇ હતી. બંને રોજ મોબાઇલમાં વાતચીત કરતા હતા. બંને વચ્ચે મિત્રતા ગાઢ થયા બાદ સાથે બહાર ફરવા પણ જતા હતા. ત્યારે એક વખત બસપોર્ટ પાછળ એક હોટેલમાં એક કલાક માટે લઇ ગયો હતો. જ્યાં અક્ષયે બંનેના અર્ધનગ્ન ફોટા તેના મોબાઇલથી પાડ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા અક્ષય આડી લાઇને હોવાનું જાણવા મળતા તેની સાથે મોબાઇલમાં વાતચીત કરવાનું તેમજ તેને મળવાનું બંધ કરી દીધું હતું. જેથી અક્ષયે તું મારી સાથે બોલવા ચાલવાનો સંબંધ નહિ રાખે તો હું તારા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરી દેવાની ધમકી આપી હતી. જે ધમકીથી ગભરાઇને બે મહિના પહેલા અક્ષયને મળવા જતા ફરી ધમકી આપી મોબાઇલ તોડી નાખી માર માર્યો હતો. ત્યારબાદ સંબંધ તોડી નાખ્યો હતો જેથી છ દિવસ પહેલા અક્ષય દારૂ પીને ઘરે આવી માથાકૂટ કરી ધમકી આપી હતી.