ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં શિયા-સુન્નીઓ વચ્ચે તણાવ વધી ગયો છે. સુન્નીઓએ રસ્તાઓ પર ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો. ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્ર ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી)નો મુખ્ય ભાગ છે. ચીને અહીં મોટું રોકાણ કર્યું છે. ચીનના દબાણને ધ્યાનમાં રાખીને મુખ્ય સરકારી સંસ્થાઓમાં સેના તહેનાત કરાઈ છે.
ચીન આ મામલે પાકિસ્તાન પર દબાણ લાવી બલુચિસ્તાનની જેમ ચીની એન્જિનિયરોની સાથે પોતાના સુરક્ષા કર્મચારીઓને પણ તહેનાત કરી શકે છે. ગયા અઠવાડિયે શિયા-સુન્ની વચ્ચે તણાવ શરૂ થયો હતો. સુન્ની કટ્ટરપંથીઓએ શિયા પર પયગંબર મોહમ્મદના સાથી યઝીદ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો. શિયા મુસ્લિમોનું કહેવું છે કે યઝીદ પયગંબરના સાથી નહતા પરંતુ તેમણે કરબલામાં એક હત્યા કરી હતી.
શિયા મુસ્લિમોના વિવાદિત નિવેદન બાદ નારાજ સુન્ની લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ મામલે સરકારના આદેશ બાદ શિયા સામે ફરિયાદ પણ દાખલ કરાઈ હતી. જેના વિરુદ્ધમાં શિયા તમામ શહેરોમાં ધરણાં પર બેઠા છે. સરકારે ચેતવણી આપી છે કે સુન્ની કટ્ટરપંથી શિયાને નિશાન બનાવી શકે છે.
બીજી તરફ લોકોએ શિયા-સુન્નીના વિવાદને લઈ માહોલ બગડી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. સ્થાનિક નેતા અસગર અલીએ જણાવ્યું હતું કે મોહરમ પહેલા એક બેઠક પણ થઈ હતી. તે સમેય શાંતિપૂર્ણ વાતવરણ હતું. જોકે સરકારની કાર્યવાહી બાદ બંને આમનેસામને આવી ગયા છે. અલીનું કહેવું છે કે જ્યારે પણ સરકાર ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોના અધિકારોને કચડી નાખવા માંગે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે.