લંડનમાં બુધવારે બેબી અરિહા શાહને ભારત પરત લાવવાની માગ કરવા માટે ભારતીય સમુદાય એકત્ર થયો હતો. આ દરમિયાન જર્મન સરકાર અરિહાને પરત મોકલે તેવી માગ ઉઠી હતી. વડાપ્રધાન મોદીને પણ અરિહાને પરત મોકલવા માટે દબાણ લાવવા માટે અપીલ કરી છે. અરિહાના માતા-પિતા જર્મનીમાં રહેતા હતા, જ્યાં એક દિવસ અરિહાને ઈજા પહોંચી હતી. જર્મનીના કાયદા અનુસાર માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને અરિહાને કેર હોમમાં મોકલી દેવામાં આવી હતી. ત્યારથી અરિહાના માતા-પિતા તેને ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લંડનમાં ભારતીય સમુદાયના સભ્યો બેબી અરિહાને ભારત પરત લાવવાની માગ કરવા માટે એકઠા થયા હતા. સમાચાર એજન્સી ANI પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ભારતીય સમુદાય ખાસ કરીને બાળકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેબી અરિહા શાહ, જે હાલમાં જર્મન રાજ્ય સેવાની કસ્ટડીમાં છે. તેના ભારતીય માતાપિતા સાથે પુનઃમિલન કરવામાં મદદ કરવા અપીલ કરતા જોઈ શકાય છે.
ગુજરાતી દંપતી ભાવેશ શાહ અને ધારા શાહ ભારતથી જર્મની ગયા અને સારી નોકરી કરવા લાગ્યા. દરમિયાન આ દંપતીને એક દીકરી અવતરી. નામ તેનું અરિહા રાખ્યું. દંપતીનું પ્લાનિંગ તો એવું હતું કે ચારેક વર્ષ અહીં રહેવું અને પછી ફરી ભારત પરત ફરવું, પણ એક દિવસ આ સુખને જાણે કુદરતની નજર લાગી ગઇ. એક દિવસ એવું બન્યુ કે ભારતથી આવેલા ભાવેશ શાહનાં માતા પૌત્રીને રમાડી રહ્યાં હતાં. એ દરમિયાન અરિહાના પ્રાઇવેટ પાર્ટ પાસે લોહીના ડાઘ જોવા મળ્યા. દંપતી હાંફળુંફાંફળું થઇને ડોક્ટર પાસે દોડી ગયું. હવે દંપતી સાથે શરૂ થાય છે એક છેલ્લી પાયરીનો ખેલ. ડોક્ટરે તપાસ કરીને ફોલોઅપ માટે આવવા જણાવ્યું.. ડોક્ટરે આપેલી તારીખે દંપતી ફોલોઅપ માટે ગયું. અરિહાની ચકાસણી બાદ હૉસ્પિટલના સર્જને કહ્યું હતું કે દીકરીને કોઈ ઍક્ટિવ બ્લીડિંગ નથી અને ચિંતા કરવા જેવું કંઈ નથી. બે દિવસ બાદ ફરીથી અરિહાને લઈને હૉસ્પિટલ પહોંચ્યાં. ત્યારે ડૉક્ટરે અરિહાને ટાંકા લેવાની ટ્રીટમેન્ટની વાત કરી.