વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 2022ના વર્ષમાં 100મા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે નરેન્દ્રભાઈએ ખાસ બ્લોગ લખેલો. એમાં તેમણે લખ્યું હતું- 'કોઈપણ માતાનું તપ એક સારા મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી. માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે.'
17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી 72 વર્ષના થશે. જન્મદિવસ હોય ને મોદી ગુજરાતમાં તેમનાં માતા હીરાબાને વંદન કરવા ન આવે એવું બન્યું નથી. એકાદવાર કોરોનાકાળમાં તેઓ આવી શક્યા નહોતા. આ વર્ષની 17 સપ્ટેમ્બરની સવાર નરેન્દ્ર મોદી માટે ખાલીપો લઈને આવશે. તેમણે ગ્લોબલ લીડર્સ વચ્ચે ભારતમાતાનું મસ્તક ઉન્નત કર્યું, પણ પોતાનાં માતાને ગુમાવ્યાનો વસવસો ચોક્કસ હશે. જન્મદાત્રી હીરાબા વગર નરેન્દ્રભાઈનો આ પહેલો જન્મદિવસ હશે, પણ આપણે સ્મૃતિઓને મમળાવીને એવા પ્રસંગો પર નજર કરીએ, જ્યારે નરેન્દ્ર મોદી ગાંધીનગર તેમનાં માતા હીરાબાને મળવા આવતા હતા...
PM મોદી હીરાબાના 100મા જન્મદિવસે વહેલી સવારે 6.30 વાગ્યે ગાંધીનગર સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદીએ માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી. માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ મેળવ્યા હતા. મોદી પોતાનાં માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું.