પાકિસ્તાની સેનાએ રાવલપિંડીની અદિયાલા જેલમાં રહેલા પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની સાથે પ્રથમ વખત વાતચીતની પ્રક્રિયા શરૂ કરી છે. જનરલ મુશર્રફની સરકારમાં મંત્રી રહી ચૂકેલા મોહમ્મદ અલી દુર્રાનીએ જેલમાં ઇમરાન ખાનની સાથે મુલાકાત કરી હતી અને તેમને સેનાનો સંદેશ સંભળાવ્યો હતો.
આ પહેલાં નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવા અને તેમના ચોથી વખત પીએમ બનવાને લઇને સેના સાથે સમજૂતી થઇ ચૂકી છે. નવાઝ 21મી ઓક્ટોબરે લાહોર પરત ફરી રહ્યા છે. પાક સેના બંને પૂર્વ પીએમથી સંપર્ક સ્થાપિત કરીને બંને છાવણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટેના પ્રયાસમાં છે. સેના પણ માને છે કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે દેશમાં રાજકીય સ્થિરતા જરૂરી છે.
ઇમરાને પહેલી શરત ફગાવી, બીજા જવાબમાં શરત મૂકી
દુર્રાનીએ ભાસ્કરને કહ્યું હતું કે, ઇમરાનની સામે બે શરતો મૂકવામાં આવી હતી. પ્રથમ શરત પાર્ટી અધ્યક્ષપદને છોડી દેવા અને પોતાને રાજનીતિથી અલગ કરી દેવાની હતી. બીજી શરત સેનાની ટીકા ન કરવાની હતી. દુર્રાની મુજબ ઇમરાને પ્રથમ શરત ફગાવી દઇને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓ પાર્ટી પ્રમુખ પદ અને રાજનીતિ છોડશે નહીં. સેનાની ટીકાના મુદ્દે ઇમરાને કહ્યું હતું કે પહેલાં તેમને મુક્ત કરવામાં આવે. પાર્ટીના નેતાઓ સામે દાખલ કરવામાં આવેલા કેસો પણ પરત લેવામાં આવે.