જેન ઝેડ એટલે 14 થી 28 વર્ષની વયનો યુવાવર્ગ દેશના અર્થતંત્રને વેગ આપવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. દેશની અંદાજે 145 કરોડની વસ્તીમાં 37.7 કરોડ જેન ઝેડનો હિસ્સો 26% છે. પરંતુ કુલ ગ્રાહક ખર્ચમાં તેમનો હિસ્સો 43% સુધી પહોંચી ચુક્યો છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) અને સ્નેપચેટની પેરેન્ટ કંપની સ્નેપ ઇંકના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતીયોનો કુલ ગ્રાહક ખર્ચ રૂ.168 લાખ કરોડ આંકવામાં આવ્યો છે. જેમાં જેન ઝેડનો હિસ્સો 72.26 લાખ કરોડ છે. આ યુવા પેઢીના ખર્ચનો ટ્રેન્ડ દર્શાવે છે કે વર્ષ 2035 સુધી માત્ર જેન ઝેડનો જ કુલ ખર્ચ અંદાજે રૂ.168 લાખ કરોડ (51%) સુધી પહોંચી જશે, જ્યારે તમામ ભારતીયોનો ખર્ચ અંદાજે રૂ.328 લાખ કરોડ રહેશે. તેનો અર્થ છે કે આગામી 10 વર્ષમાં જેન ઝેડનો ખર્ચ બમણાથી વધુ 132% વધી જશે. સ્નેપ ઇંકના એમડી (ભારત) પુલકિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે “ભારત યુવાઓનો દેશ છે. વર્ષ 2035 સુધી ભારતની વપરાશ વૃદ્ધિમાં જેન ઝેડનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન હશે. તેનો ડાયરેક્ટ ખર્ચ રૂ.151 લાખ કરોડથી આગળ નીકળી જશે. રિપોર્ટ અનુસાર આગામી વર્ષે ભારતમાં જેન ઝેડનો ખર્ચ વધવાનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ તેજીથી વર્કફોર્સનો હિસ્સો બની રહ્યા છે. દર ચાર ભારતીય જેન ઝેડમાંથી એક પહેલાથી જ વર્કફોર્સમાં સામેલ છે. વર્ષ 2025 સુધી દર બીજો જેન ઝેડ યુવા વર્કફોર્સમાં સામેલ થઇ જશે. આ જ યુવા પેઢી ભારતીય અર્થતંત્રને વેગ આપી રહી છે.