ઇટાલીમાં 25 સપ્ટેમ્બરે થનારી વડાપ્રધાન પદની ચૂંટણીની રેસમાં જોર્જિયા મેલોની સૌથી આગળ છે. ચૂંટણીમાં મેલોનીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 60 ટકાથી વધુ બેઠક મળવાની આશા છે. જોર્જિયા મેલોની બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટીના નેતા છે. બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટી જમણેરી ગઠબંધનની મુખ્ય પાર્ટી છે.
બીજા વિશ્વયુદ્વ બાદ ઇટાલીમાં પ્રથમ વાર એવું થશે જ્યારે કોઇ જમણેરી સરકારના નેતા વડાપ્રધાન બનશે. મેલોની યુરોપિયન યુનિયન છોડી શકે છે. યુરોપિયન યુનિયનની નીતિ સાથે મેલોની અસહમત છે. તે ઇયુને શરણાર્થી સમસ્યાનું કારણ માને છે. પોતાના કેમ્પેઇન દરમિયાન મેલોનીએ કહ્યું હતું કે મુસ્લિમ દેશોમાં ગૃહયુદ્વમાં ત્રસ્ત મહિલાઓ તેમજ બાળકોની તસવીરો દર્શાવાય છે પરંતુ આપણા દેશમાં પુરુષો શરણાર્થી બની જાય છે.
હું આ પુરુષોને શરણાર્થી નથી માનતી. મેલોની ઇટાલીમાં શરણાર્થીઓની વધતી વસતીને મહત્ત્વપૂર્ણ મુદ્દો બનાવીને ચૂંટણી લડી હતી. સાથે જ, મેલોની યુરોપિયન સંઘ પર ઇટાલીની એથનિસિટી બદલવાનો પણ આરોપ લગાવી રહી છે. મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પની કન્ઝર્વેટિવ પાર્ટીને ટાંકીને કહ્યું હતું કે ખાસ કરીને મુસ્લિમ શરણાર્થીઓ ખતરો સાબિત થાય છે. મેલોની અર્થવ્યવસ્થામાં સુધારા પર ઓછું ધ્યાન આપશે તેવી આશંકા છે. ઇટાલી પર 2,100 લાખ કરોડ રૂપિયાનું દેવું છે જે તેની જીડીપીના 150 ટકા છે. ઇયુને ડર છે કે ઇટાલીમાં સ્થિતિ વધુ ખરાબ થઇ જશે.
FDI પાસે સરકાર ચલાવવાનો કોઇ અનુભવ ન હોવાથી રાજકીય અસ્થિરતા જોવા મળી શકે છે. મેલોની જે બે પાર્ટીઓ જોડે સરકાર બનાવશે તે વિશ્વાસપાત્ર નથી. બંને પાર્ટીના મુખ્ય નેતા સિલ્વિયો બર્લુસ્કોની અને માટેઓ સાલ્વિનિકનો ઇયુ સાથે સારો ઇતિહાસ નથી. સિલ્વિયો બર્લુસ્કોની અને માટેઓ સાલ્વિનિક મહત્ત્વાકાંક્ષી નેતા છે, જે ખુદને વડાપ્રધાન પદ પર જોવા માંગે છે.