કેન્દ્ર સરકારે ભારતને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટેનું હબ બનાવવા માટે તેની નવી EV પોલિસીને મંજૂરી આપી છે. આ નવી પોલિસીમાં કંપનીઓએ ઓછામાં ઓછા ₹4150 કરોડનું રોકાણ કરવું પડશે અને વધુમાં વધુ રોકાણ પર કોઈ મર્યાદા નથી.
પોલિસી અનુસાર, કંપનીઓએ ભારતમાં ત્રણ વર્ષમાં EVનું ઉત્પાદન અને વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરવું પડશે. આ સંબંધિત એક નોટિફિકેશન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (MoCI)એ આજે (15 માર્ચ) જાહેર કર્યું હતું.
નવી પોલિસીથી લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાનો માર્ગ શોધતી અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કની EV કંપની ટેસ્લા માટે ભારતમાં પ્રવેશ સરળ બન્યો છે.
ઇલેક્ટ્રિક વાહનો માટે નવી પોલિસી
ભારતમાં આવીને ઇલેક્ટ્રિક વાહનો બનાવવા ઇચ્છતી ઓટો કંપનીઓ માટે સરકારે નવી ઇવી પોલિસીમાં કેટલાક નિયમો અને શરતો નક્કી કરી છે અને કેટલીક શરતોમાં છૂટછાટ પણ આપી છે. નોટિફિકેશન મુજબ, ઓટો કંપનીઓએ ભારતમાં ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે, મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
ઓટો કંપનીઓએ 3 વર્ષમાં પ્લાન્ટ સ્થાપવા પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું પડશે. ઉપરાંત, ડોમેસ્ટિક વેલ્યુ એડિશન (DVA) 5 વર્ષમાં 50% સુધી પહોંચાડવું પડશે, એટલે કે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે લોકલ સોર્સિંગ વધારવું પડશે. ઓટો કંપનીઓએ ત્રીજા વર્ષમાં લોકલ સોર્સિંગ 25% અને આગામી પાંચ વર્ષમાં 50% કરવું પડશે.