રાજકોટ બસપોર્ટથી હિરાસર ખાતે આવેલા નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી જવા માટે યાત્રિકો માટે રવિવારથી નવી એ.સી. ઈલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. અગાઉ યાત્રિકોમાં એવી રાવ ઊઠી હતી કે, એસ.ટી.ની બસ છેક એરપોર્ટ સુધી નથી જતી પરંતુ હાઈવે સુધી જ જાય છે, પરંતુ રાજકોટ એસ.ટીના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નવી બસ છેક એરપોર્ટ સુધી જશે અને યાત્રિકોને ટર્મિનલ બિલ્ડિંગ પાસે જ ઉતારશે. રાજકોટ એસ.ટી.ના વોલ્વોના ડેપો મેનેજર એન.વી. ઠુમ્મરે જણાવ્યું હતું કે, એરપોર્ટની શરૂ કરેલી તમામ બસ યાત્રિકોને છેક એરપોર્ટ સુધી લઇ જશે.
આ માટે તમામ ડ્રાઈવર-કંડક્ટરને સ્પષ્ટ સૂચના અપાઈ છે. જો કોઈ યાત્રિકોને ફરિયાદ હોય કે મુશ્કેલી જણાય તો રાજકોટ બસપોર્ટ પર ફરિયાદ કરી શકે છે. રવિવારથી શરૂ થયેલી એરપોર્ટ બસ સર્વિસના પહેલા દિવસે આશરે 150 જેટલા યાત્રિકોએ એસ.ટી. બસમાં આવન-જાવન કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.