રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રોકસ સિટી હોલ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (IS)એ લીધી છે. આતંકવાદી સંગઠને આમાક ન્યૂઝ એજન્સી દ્વારા એક નિવેદન જારી કર્યું છે. 22 માર્ચની સાંજે થયેલા આ આતંકી હુમલામાં 40 લોકોના મોત થયા હતા. 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
"ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની સીમમાં આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક મોટા મેળાવડા પર હુમલો કર્યો, તેઓ સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા ફરે તે પહેલા મોટા પ્રમાણમાં વિનાશ કર્યો, સેંકડો લોકોને મારી નાખ્યા અને ઘાયલ કર્યા," આતંકવાદી સંગઠને જણાવ્યું હતું, હુમલા બાદ અમારા લડવૈયાઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.
જ્યારે, યુક્રેન રશિયાના હુમલામાં સામેલ હોવાનો દાવો કર્યો હતો. જેના પર યુક્રેને એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે આવા આરોપોને યુક્રેન વિરોધી ઉન્માદને પ્રોત્સાહન આપનાર ગણીએ છીએ. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં યુક્રેનને બદનામ કરવાની આ રીત છે. રશિયન નાગરિકોને અમારા દેશ વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે.
રશિયામાં યુએસ એમ્બેસીએ મોટા હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેની નિંદા કરી હતી. પુતિન 18 માર્ચે 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. તેના 5 દિવસ પછી મોટો આતંકવાદી હુમલો થયો છે.