શહેરમાં લોકોને શીશામાં ઉતારવા માટે ગઠિયાઓ દ્વારા નીતનવા કીમિયાઓ અજમાવી લોકોના ખાતામાંથી લાખોની રકમ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા હોય છે. આવા જ એક વધુ કિસ્સામાં રાજકોટના મહાવીરસિંહ જિતેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સે 10 લોકોને ચુંગાલમાં ફસાવી રૂ.16,92,280ની છેતરપિંડી કરી છે.
દોઢસો ફૂટ રિંગ રોડ, ગોવર્ધન ચોક, માધવપાર્કમાં રહેતા અને સોપારીનો વેપાર કરતા અંકુરભાઇ જગદીશભાઇ સુરાણી નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.19ના રોજ સવારે પોતે દુકાને હતા. ત્યારે ઉપરોક્ત આરોપી દુકાને આવી તે એક્સિસ બેંકનો કર્મચારી હોવાની ઓળખ આપી લોન ઓફર આપી હતી. જોકે તે દિવસે પોતાને કામ હોય આવતીકાલે આવવા કહ્યું હતું. બાદમાં મહાવીરસિંહ સોલંકી તા.20ના રોજ દુકાને આવ્યો હતો. પોતાને લોનની જરૂરિયાત હોય લોન કરી આપવાની વાત કરી હતી.
જેથી તેને પોતાનો મોબાઇલ ફોન અને ક્રેડિટ કાર્ડ માગતા આપ્યા હતા. થોડી વાર મોબાઇલમાં તેમજ ક્રેડિટ કાર્ડમાં ચેક કર્યા બાદ તેને રૂ.2 લાખની લોન થઇ જશેની વાત કરી હતી. તેમજ તે બાકીની પ્રોસેસ કરવા પછી આવશે તેમ કહી જતો રહ્યો હતો. બીજા દિવસે તેને ફોન કરી તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે મને પરત કરી આપવાની વાત કરી હતી. જેથી પોતાના ખાતામાં જમા થયેલી રકમ મહાવીરસિંહને ટ્રાન્સફર કરી આપી હતી.