જાપાનમાં સરકારી તિજોરીને ઝડપથી ભરવા સરકરાર હવે યુવાનોને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે જાપાન સરકાર નેશનલ ટેક્સ એજન્સી ધ શેક વીવા નામનું અભિયાન પણ ચલાવી રહી છે. આ સ્પર્ધા થકી સરકાર જ દારૂ પીવાના નુસખા જણાવી રહી છે. એટલું જ નહીં, સરકાર યુવાનોમાં દારૂ લોકપ્રિય કરવા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા પણ યોજે છે.
આ અભિયાન પાછળ જાપાન સરકારનો હેતુ વધુ ને વધુ દારૂ વેચીને સરકારી તિજોરી ભરવાનો છે. હકીકતમાં કોરોના પછી યુવાનોની જીવનશૈલી ઘણી બદલાઈ છે અને દારૂનું વેચાણ પણ મોટા પાયે ઘટ્યું છે. એટલે જાપાન સરકાર 9 સપ્ટેમ્બર સુધી અભિયાન ચલાવીને 20થી 39 વર્ષના લોકોને દારૂ પીવા પ્રેરિત કરે છે. આ માટે દારૂનાં નવાં ઉત્પાદનો અને ડિઝાઈન પણ બનાવાઈ છે. વધુ દારૂ પીનારા વિજેતાને 10 નવેમ્બરે ટોક્યોમાં યોજાનારા સમારંભમાં પુરસ્કાર આપીને સન્માનિત કરાશે.
આ અભિયાન હેઠળ ઘરમાં દારૂ પીવાની આદતને પ્રોત્સાહિત કરાઈ રહી છે. ચોખાનો દારૂ, બીયર, વ્હિસ્કી, વાઈન જેવા વિવિધ આલ્કોહોલિક પીણાનું વેચાણ વધારવા માટે મેટાવર્સ વેબસાઈટ થકી પ્રચાર કરાઈ રહ્યો છે. બીજી તરફ, દોસ્તો સાથે દારૂ પીતી વખતે ઊંડી વાતચીત કરવાના ફાયદા પણ બતાવાઈ રહ્યા છે, જેથી દારૂનું વેચાણ વધે. 2019 અને 2020 વચ્ચે જાપાનમાં બીયરનું વેચાણ 20% ઘટીને ફક્ત 1.8 બિલિયન લિટર થઈ ગયું હતું.