અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પરમાણુના ભંડારને લીધે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. બાઈડેને ચિંતા વ્યક્ત કરી કે પાક.માં અસ્થિર રાજકીય સ્થિતિ અને આતંકી સંગઠનોને લીધે પરમાણુ ભંડાર ખોટા હાથોમાં જઈ શકે છે. 2016માં ઓબામાના રાષ્ટ્રપતિ હતા ત્યારે અમેરિકાએ પાક.ના તત્કાલીન પીએમ નવાઝ શરીફ પર પાકિસ્તાનના 9 એટમી હાઈડઆઉટ પર પોતાનો પહેરો લગાવવા દબાણ કર્યું હતું. અમેરિકાની કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટ મુજબ પાક.માં લશ્કર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હરકત-ઉલ-જેહાદ જેવાં 12 આતંકી સંગઠનો છે.
સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ(એસએટીપી)ના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં 45 આતંકી સંગઠનો છે. ગત વર્ષે અમેરિકી સૈન્યના અફઘાનમાંથી હટી જવા અને હવે ત્યાં તાલિબાન સરકારના કબજાને લીધે અમેરિકાની ચિંતા વધી ગઇ છે. અમેરિકા માને છે કે પાક.ના પરમાણુ ભંડાર પર તેના સૈનિકોની સંયુક્ત તહેનાતીથી ખતરાને ટાળી શકાય છે.