ચીનમાં યુવા બેરોજગારી રેકોર્ડ સ્તર પર છે. અર્થતંત્રની ગતિ જાણે કે થંભી ગઇ છે. પરંતુ જેન ઝેડ (1995 બાદ જન્મેલા યુવા)નો લેઝર ટ્રાવેલ અને મોજ મસ્તી પાછળનો ખર્ચ ઘટવાને બદલે વધ્યો છે. કન્સલટન્સી મિન્ટેલ ગ્રુપ અનુસાર, આ વર્ષની શરૂઆતથી ચીનના જેન ઝેડ ગ્રાહકોએ મૂવિ ટિકિટ, બ્યૂટી સર્વિસ, બાર-રેસ્ટોરન્ટ્સ અને સ્પોર્ટ્સ ઇવેન્ટમાં જવાનો ખર્ચ સતત વધાર્યો છે. એક સરવેમાં સામેલ 40% લોકોએ જણાવ્યું કે તેઓએ ઓગસ્ટમાં મોજ મસ્તી પર જુલાઇથી વધુ ખર્ચ કર્યો હતો.
તદુપરાંત, જુલાઇની તુલનાએ ઓગસ્ટમાં મોંઘા કપડાં પર પણ જનરેશન ઝેડનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. વાસ્તવમાં, ચીનની યુવા પેઢીને વિશાળ કન્ઝ્યુમર માર્કેટની ગતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ કોવિડ બાદથી ચીનનું અર્થતંત્ર સંકટનો સામનો કરી રહ્યું છે. કંપનીઓમાં ભરતી ઘટી છે. જૂનમાં 16-24 વર્ષની ઉંમરના લોકોની વચ્ચે બેરોજગારી સર્વાધિક 22% હતી. ત્યારબાદ અધિકારીઓએ ડેટા જારી કરવાનું બંધ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ચીનમાં યુવાઓની વચ્ચે ખર્ચની પ્રાથમિકતા બદલાઇ છે. ખર્ચાળ ગેજેટ્સ, મકાનની ખરીદીમાં રોકાણ કરવાને બદલે મોજ મસ્તી માટે વધુ ખર્ચ કરી રહ્યાં છે. અર્થાત્, વિદેશ યાત્રા અને લોકોની પહોંચની બહાર છે, પરંતુ સ્થાનિક સ્તરે પર્યટન વધ્યું છે. બૉક્સ ઓફિસ પણ રેકોર્ડ બનાવી રહ્યું છે.
પરંતુ સ્નાતક થયેલી 22 વર્ષીય યાંગ જિફેન્ગે એક પોસ્ટ માટે સેંકડો અરજીથી નિરાશ થઇને ફુલ ટાઇમ જૉબ માટે અરજી કરવાનું જ છોડી દીધું. સારી ડિગ્રી છતાં દર મહિને 1,000 યુઆન (11,400 રૂપિયા)ના વેતન પર રિસેપ્શનિસ્ટની નોકરી કરે છે. જિફેન્ગ અનુસાર જ્યારે જોબ માર્કેટ જ એટલું ખરાબ છે ત્યારે અમે બેકારમાં કેમ સંઘર્ષ કરીએ. અમારે લાઇફસ્ટાઇલની જરૂરિયાત પર ફોકસ કરવું જોઇએ. જે વસ્તુ ખુશી આપે છે તે વસ્તુને ખરીદવાનું પસંદ કરીએ છીએ. નોંધનીય છે કે કોવિડ બાદથી ચીનના અર્થતંત્રમાં હજુ પણ નિરુત્સાહી વલણ જોવા મળી રહ્યું છે. ચીનમાં હજુ પણ અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પણ ફંડના અભાવને કારણે અટવાયેલા છે જેને કારણે પણ અપ્રત્યક્ષ રીતે અર્થતંત્ર પર તેની વ્યાપકપણે અસર જોવા મળી રહી છે.