ગુજરાત કોસ્ટ ગાર્ડ (ICG) અને ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને એને મધ દરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમી આધારે ATSની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી.
તપાસમાં બોટ ઈરાની હોવાનું જાણવા મળ્યું
ભારતીય જળસીમામાં લગભગ એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા દરિયામાં 190 નોટિકલ માઇલ્સ (340 કિમી) ખાતે પહોંચી, બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકાવવા પ્રયાસ કરાતાં તેણે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ એને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા. એમાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાંચેય આરોપીને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી.