દેશભરમાં નવરાત્રિની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. કોલકાતામાં 50 વર્ષથી પંડાલ બનાવી રહેલા શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબે આ વર્ષે દુર્ગા પૂજા પંડાલની થીમ ‘વેટિકન સિટી’ રાખી છે. ક્લબનું કહેવું છે કે ભારતના લોકોએ ખ્રિસ્તી ધર્મના મુખ્ય સ્થાન વેટિકન સિટી વિશે પુસ્તકોમાં વાંચ્યું છે, પરંતુ હવે તેઓ કોલકાતામાં વેટિકન સિટીને જોઇ શકશે.
થીમની કલ્પના રોમિયો હાજરાએ કરી છે. પૂજા સમિતિના સંરક્ષક સુજિત બોઝે કહ્યું કે ભાગ્યે જ કોઇ એવું હશે જે વેટિકન સિટી જવાની ઇચ્છા ન ધરાવતું હોય. જેને પણ ત્યાં જવાની ઇચ્છા છે તે અમારા પંડાલ પર આવી શકે છે. પંડાલમાં દુર્ગા માતાની 12 ફૂટ ઊંચી મૂર્તિ છે. તેની સજાવટ લાખો રૂપિયાના આભૂષણોથી કરાઇ છે.