રિર્પોટ : હાર્દિક મોરાણિયા
સમગ્ર ભારત દેશમાં 'ગણપતિ બાપા મોરયા'ના નાદ સાથે ગણેશ ચતુર્થીનો મહોત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ વિઘ્નહર્તા ગણપતિ બાપાના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં વિવિધ જગ્યાએ ગણપતિ બાપાની મૂર્તિની શોભાયાત્રા સાથે સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ જે.કે. ચોકમાં શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા દબદબાભેર ગણેશોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ જે.કે. ચોકમાં શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ બનાવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં પ્રથમ વખત AC ડોમની સાથે જંગલમાં વોટરફોલ થીમ બનાવવામાં આવી છે. સમકાલીન ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા આયોજક બલરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન ગણેશજીને પ્રદક્ષીણા કરતા જીવંત ઉંદરની પણ થીમ બનાવવામાં આવી છે. જે લોકોમાં ભારે આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
રાજકોટ શહેરમાં આજે જુદા જુદા 500 કરતા વધુ સ્થળોએ દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ શહેરનું વાતાવરણ ગણપતિ બાપા મોરિયાનાં નાદથી ગુંજી ઉઠ્યું છે. શહેરમાં અનેક સ્થળે આગામી 10 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાનાર છે. જેને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્ક છે. પોલીસ કમિશ્નર દ્વારા પણ આ માટેનું જાહેરનામું બહાર પડાયું છે. જેમાં લોકોને શાંતિપૂર્ણ રીતે આ પવિત્ર તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.