સુરતમાં માતેલા સાંઢની જેમ ફરતાં ડમ્પર અવારનવાર અકસ્માત કરી લોકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે ડમ્પરે વધુ એક અકસ્માત કરીને મહિલા પોલીસ કોન્સ્ટેબલને કચડી ભોગ લીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા કોન્સ્ટેબલ ડીસીપી ટ્રાફિક ઓફિસ ખાતે મીટિંગમાં જતાં હતા. મહિલા કોન્સ્ટેબલના મોતના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
મોપેડ પાછળથી અડફેટે લઈ કચડી નાખી
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રેમિલાબેનનું અકસ્માતે મોત થયું હતું. સર્કલ પર ડમ્પર ચાલકે મોપેડ પર જતાં મહિલા કોન્સ્ટેબલને અડફેટમાં લઈ કચડી નાખતા મોત થયું હતું. ઇચ્છાપોર પોલીસે સમગ્ર અકસ્માતને લઈ વધુ તપાસ શરૂ કરી છે. ડમ્પર ચાલક દ્વારા પાછળથી ટક્કર મારી કચડી નાખી હતી. જેથી, મહિલા કોન્સ્ટેબલનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું.