રાજકોટ એરપોર્ટના વીઆઇપી ગેટ તોડી રિક્ષા સાથે રન વે સુધી પહોંચી જનાર રિક્ષાચાલકને જેલહવાલે કર્યો છે. રવિવારે બપોરે એક ઓટો રિક્ષા પૂરઝડપે ધસી આવી હતી અને એરપોર્ટની સુરક્ષામાં રહેલા સીઆઇએસએફના જવાનો કંઇ સમજે તે પહેલા જ રિક્ષા વીઆઇપીઓની અવરજવર માટે રાખવામાં આવેલા બે ગેટ તોડી રન વે સુધી પહોંચી ગયો હતો. આ જ સમયે બેંગ્લુરુથી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યારે કોઇ અજુગતું થાય તે પહેલા જ દોડી ગયેલા સીઆઇએસએફના જવાનોએ રિક્ષાચાલકને દબોચી લીધો હતો અને તેને એરપોર્ટની બહાર લઇ આવી ગાંધીગ્રામ પોલીસ હવાલે કર્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન રિક્ષાચાલક કિટીપરામાં રહેતો દીપક ચના જેઠવા હોવાનું જણાવ્યું હતું. જ્યારે તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. રિક્ષાચાલકને ઝડપી લીધા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.કે. ક્રિશ્ચિયનની ફરિયાદ પરથી ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ, બેફિકરાઇથી વાહન ચલાવી માનવ જિંદગીને જોખમમાં મૂકવી, સરકારી મિલકતને નુકસાન કરવા બદલ તેમજ એરક્રાફ્ટની એક્ટ હેઠળ ગુનો નોંધી રિક્ષાચાલકની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વિશેષ પૂછપરછ કરવા આરોપીને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે રિમાન્ડની માગણી નામંજૂર કરી જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.